ડાંગના ભવાનદગડમાં કૌટુંબિક ઝઘડામાં નાનાઍ મોટા ભાઈની હત્યા કરી
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૦૭ ઃ ડાંગના ભવાનદગડ ગામે ભવાનદગડ ગામમાં સગા બે ભાઈઓ વચ્ચે કામધંધો કરવા જેવી સામાન્ય બાબતે થેયલા ઝઘડામાં નાના ભાઈઍ ગુસ્સામાં આવી મોટા ભાઈ પર કુહાડી વડે હુમલો કરતા ૨૮ વર્ષીય મોટા ભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ભવાનદગડ ગામે રહેતા પવાર પરિવારના બે પુત્રો ગજેન્દ્રભાઈ રામચંદ્રભાઈ પવાર (ઉંમર વર્ષ ૨૮) અને તેમનો નાનો ભાઈ રણજીતભાઈ રામચંદ્રભાઈ પવાર (ઉંમર વર્ષ ૨૬) સાથે રહેતા હતા. મૃતક ગજેન્દ્રભાઈ કોઈ ચોક્કસ કામધંધો કરતા ન હોવાથી અવારનવાર ઘરે જ રહેતા હતા. બીજી તરફ તેમનો નાનો ભાઈ રણજીતભાઈ પવાર રોજમજૂરીનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. ગત તારીખ ૬ ઓક્ટોબરે સાંજે રણજીત મજૂરી કામ પતાવીને ઘરે આવતા હાજર મોટા ભાઈ ગજેન્દ્રભાઈને તેમણે નવરા બેસી રહેવાના બદલ ટોણો મારતા બંને ભાઈઅો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાઍ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નાના ભાઈ રણજીતભાઈઍ ધારદાર કુહાડી ઉપાડી મોટા ભાઈ ગજેન્દ્ર પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગજેન્દ્રભાઈ લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે પરિવારજનોની ચીસાચીસ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં અને ૧૦૮ બોલાવતા તબીબી સ્ટાફે ગજેન્દ્રભાઈની તપાસ કરી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
