કાંજણરણછોડ ગ્રા.પં.માં ભ્રષ્ટાચાર અંગે કલેકટરને રાવ
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૬-૨૭ દરમિયાન હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોમાં સરપંચ, સરપંચ પતિ અને જવાબદાર કર્મચારીઓની મિલીભગતથી મોટાપાયે નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરાયો હોવાની લેખિત ફરિયાદ જિલ્લા કલેક્ટર સમક્ષ કરાતાં ખળભળાટ મચી ગયો છે. ગામના જાગૃત નાગરિક રતિલાલ છગનભાઈ પટેલ દ્વારા ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ હેઠળ ૧૯ જેટલા મુદ્દાઓ સાથે સચોટ આધાર-પુરાવા રજૂ કરી તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી છે. અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા કે ઔરંગા નદીના પુલ નીચે રસ્તો બનાવ્યા વગર જ રૂ. ૧,૬૫,૦૦૦નું બિલ ચૂકવાઈ ગયું છે. પડ્ઢિમ રામજી ફળિયામાં ડામર રસ્તો બનાવ્યા વગર રૂ. ૫,૦૦,૦૦૦ અને ભૂતિયા ફળિયામાં રૂ. ૩,૦૦,૦૦૦ની રકમ કાગળ પર રસ્તા બતાવી ચાઉં કરી દેવાઈ છે. આ ઉપરાંત મહાદેવ મંદિર ભૂતિયા ફળિયાથી રસ્તાના નામે રૂ. ૧,૮૦,૦૦૦ તથા પૂર્વ રામજી ફળિયામાં માપ કરતાં વધુ લંબાઈ બતાવી નિયમ વિરુદ્ધ નાણાં ચૂકવાયા છે. પાંચબંગાળી ફળિયામાં પાણીના બોર અને ટાંકીના નામે રૂ. ૨,૨૬,૫૮૨ અને રૂ. ૨,૩૪,૬૩૭ ઍમ લાખો રૂપિયા ઉપાડી લેવાયા, જ્યારે સ્થળ પર બોર કે ટાંકીનું અસ્તિત્વ જ નથી. વાઘઝર ફળિયામાં બોરનું કામ કર્યા વગર રૂ. ૭૧,૮૯૭નું બોગસ બિલ ચૂકવાયું છે. બેંકલા ફળિયામાં રૂ. ૨,૩૪,૬૩૭ તથા અન્ય મીની ટાંકી માટે રૂ. ૩,૮૦,૦૦૦ અને સ્ટ્રોમ વૉટર ડ્રેનેજના રૂ. ૧,૦૦,૦૦૦ની રકમ સ્થળ નક્કી કર્યા વિના જ ચૂકવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગામમાં નદી ફળિયું ન હોવા છતાં નદી ફળિયા સેનિટેશન શેડના નામે રૂ. ૨,૫૧,૪૩૧નું બોગસ બિલ પાસ કરાવી સરકારી નાણાંની ખુલ્લેઆમ ઉચાપત કરાઈ છે. પંચાયતના સભ્ય પતિ સુનિલભાઈ પટેલે કોઈપણ જાહેર ટેન્ડર વિના જ રસ્તા રિપેરિંગનો રૂ. ૧,૩૪,૭૦૦નો કોન્ટ્રાક્ટ આપી નાણાકીય ઔચિત્યના નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. સાફ-સફાઈના નામે સરપંચ પ્રજીતાબેનના પતિ સુનિલભાઈના અંગત મળતિયાઓને ભાવ મંગાવ્યા વગર રૂ. ૧,૧૨,૨૫૦ ચૂકવાયા છે. સ્ટ્રીટ લાઈટ રિપેરિંગ અને પ્રાથમિક શાળા માટે રૂ. ૧,૫૦,૦૦૦નું આર.ઓ. પ્લાન્ટ બતાવી માત્ર રૂ. ૧૦,૦૦૦નો પ્લાન્ટ દૂધ મંડળીમાં મુકાવી બાકીની રકમ ઓળવી જવાઈ હોવાનો પર્દાફાશ થયો છે. અરજદારે સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરાવી સંડોવાયેલા તમામ તત્વો સામે કડક ફોજદારી અને શિક્ષાત્મક કાર્યવાહી કરી નાણાંની વસૂલાત કરવાની ઉગ્ર માંગ કરી છે.
