વાપીમાં ૧૦મા માળેથી પટકાતાં જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપી નાળા રોડ વિસ્તારમાં આજે બપોરે ઍક અત્યંત કરુણ ઘટના બની હતી. અજિતનાથ જિનાલય સામે આવેલ શ્રાવિકા ઉપાશ્રયમાં વિરાજમાન ૨૨ વર્ષીય જૈન સાધ્વી કેવલદર્શી રેખાજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે.
પ્રા વિગતો મુજબ, સાધ્વી કેવલદર્શી રેખાજી મ.સા. આજે બપોરે નાળા રોડ પર આવેલ પંચ લબ્ધિ નામની ૧૦ માળની બિલ્ડિંગમાં ધર્મલાભ (ભોજન) અર્થે ગયા હતા. બપોરે આશરે ૧૨ઃ૩૦ કલાકે ૧૦મા માળે દાદરના પેસેજમાંથી અકસ્માતે નીચે ભોંયતળિયે પટકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા હતા.
આ ઘટના અંગે જિનય ભારતભાઈ શાહે વાપી ટાઉન પોલીસને જાણ કરતા પીઍસઆઈ પાટીલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને નિરીક્ષણ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાધ્વીજી સાધ્વી શ્રુતારથી રેખા મ.સા.ના શિષ્યા હતા અને કુલચંદ વિજયજી મહારાજ સાહેબના સાંસારિક પૌત્રી હતા. તેમણે ૬ વર્ષ અગાઉ ૬ ઍપ્રિલ ૨૦૨૦ના રોજ દીક્ષા ગ્રહણ કરી હતી. સાધ્વી કેવલદર્શી રેખાજી મ.સા.ના કાળધર્મના સમાચારથી સમગ્ર વાપી જૈન સંઘમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે સાંજે ૫ઃ૩૦ કલાકે તેમની પાલખી યાત્રા શ્રાવિકા ઉપાશ્રય, અજિતનાથ જૈન દેરાસર સામેથી નામધા સ્મશાનગૃહ તરફ નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.
