વાપીમાં બિસ્માર રસ્તાઓની હાલત સુધારવા તંત્ર સક્રિય
- byDamanganga Times
- 08 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપી પંથકમાં વરસાદની વિદાય બાદ અનેક રસ્તાઓની હાલત બિસ્માર બની હતી અને રસ્તાઓ ઉપર મોટા ખાડા પડવા સાથે ધૂળ, ડમરી તેમજ હાથોડા-કપચી ઉડવાના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. ખાસ કરીને દિવસ દરમિયાન વાહનોની અવરજવર વધતા રસ્તાઓ પરથી ઉડતી ધૂળને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વાપી ટાઉનના નહેરુ સ્ટ્રીટ જૈન દેરાસર પાસે તેમજ કેટલાક આરોબી ના સર્વિસ રોડ તથા મુખ્ય ચાર રસ્તા અને ત્રણ રસ્તા જેવા જંકશન સ્થળે સાથે સ્થાનિક સ્તરે રસ્તાઓની ખરાબ હાલત અંગેની ફરિયાદો અને લોકોની મુશ્કેલીને ધ્યાને લઈ વાપી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મહાનગરપાલિકાના મુખ્ય વિસ્તારો ઉપરાંત તાજેતરમાં મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ૧૧ ગામોના વિવિધ વિસ્તારોમાં પણ રસ્તાઓના સમારકામ અને નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા તંત્ર તેમજ સત્તાધારી પક્ષના જવાબદાર હોદ્દેદારો દ્વારા રસ્તાઓની સ્થિતિનું નિરીક્ષણ કરી જ્યાં વધુ નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બિસ્માર રસ્તાઓને કારણે નગરજનોને વધુ મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર સરળ બને તે માટે તબક્કાવાર રસ્તાઓના સમારકામ તથા જરૂરી સ્થળોઍ નવા રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. વરસાદ બાદ રસ્તાઓ ઉપર જમા થયેલી ધૂળ અને કપચીને કારણે ઊભી થતી સમસ્યામાં પણ રાહત મળે તે દિશામાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હવે આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને વાપી શહેર તેમજ ૧૧ ગામોના તમામ બિસ્માર રસ્તાઓને યોગ્ય રીતે દુરસ્ત કરવામાં આવે તેવી સ્થાનિકોમાં આશા વ્યક્ત થઈ રહી છે
