Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપીમાં હત્યાના કેસમાં આરોપીને શરતી જામીન

વાપીમાં હત્યાના કેસમાં આરોપીને શરતી જામીન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં આરોપી શંકરભાઈ સોમાભાઈ પટેલને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.
આ કેસમાં આરોપીની જુલાઈ ૨૦૨૪માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં હતો. કેસની તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. જોકે, ટ્રાયલ દરમિયાન હજુ સુધી ઍકપણ સાક્ષીની તપાસ થઈ ન હોવાનું ટ્રાયલ કોર્ટના રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેના કારણે ટ્રાયલ નજીકના સમયમાં પૂર્ણ થવાની શક્યતા ન હોવાનું હાઇકોર્ટે નોંધ્યું હતું.
આ સંજોગોને ધ્યાનમાં લઈ હાઇકોર્ટે રૂ.૧૦ હજારના બોન્ડ તથા તેટલી જ રકમના ઍક જામીનદાર સાથે આરોપીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ સાક્ષી કે પુરાવા સાથે છેડછાડ ન કરવી, કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવું અને ગુજરાત બહાર જવા માટે કોર્ટની મંજૂરી લેવી સહિતની શરતો મૂકવામાં આવી છે. છ મહિના સુધી દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની તેમજ ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાયલમાં હાજરી સિવાય વાપી ટાઉનમાં પ્રવેશ ન કરવાની પણ શરત છે. આ હુકમ ન્યાયમૂર્તિ ઍમ. આર. મેંગડે દ્વારા ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ કરવામાં આવ્યો હતો.