Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ઉમરગામની કંપનીમાં આગથી દોડધામ

ઉમરગામની કંપનીમાં આગથી દોડધામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ઉમરગામ, તા.૨૨ ઃ ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કૃપા ટેક્સટાઇલ કંપનીમાં સોમવારે સાંજે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ આગ અન્ય વિસ્તારમાં ન ફેલાય તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ પણ લોકોના ટોળા ઍકઠા થયા હતાં. પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં હજુ સુધી કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવા કે જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નથી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ કંપનીમાં થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે.