Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ધરમપુરમાં ઍમઍસવીઍસ કેળવણી મંડળની સાધારણ સભા મળી

ધરમપુરમાં ઍમઍસવીઍસ કેળવણી મંડળની સાધારણ સભા મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૧ ઃ મહારાણા શ્રી વિજયદેવજી સાર્વજનિક કેળવણી મંડળ, ધરમપુરની ખાસ સાધારણ સભા રવિવારે શ્રી ઍસ.ઍમ.ઍસ.ઍમ. હાઇસ્કૂલ ખાતે મળી હતી. ટ્રસ્ટીઓની મુદ્દત પૂર્ણ થતાં બંધારણની જોગવાઈ મુજબ નવેસરથી ટ્રસ્ટીઓની નિમણૂક કરવાના ઍજન્ડા નં. ૩ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. સભામાં તખતસિંહ પ્રભાતસિંહ સોલંકીઍ ૧૧ નામોની લેખિત દરખાસ્ત રજૂ કરી હતી, જેને હેમંતકુમાર અજીતસિંહ સોલંકીઍ ટેકો આપ્યો હતો.
દરખાસ્તમાં જીવણભાઈ બાબુભાઈ આહીર, ધનેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી, વિજયભાઈ નારાણભાઈ પાંનેરીયા, ગણેશભાઈ દુર્લભભાઈ બિરારી, મનીષકુમાર રજનીકાંત પટેલ, ધીરજસિંહ ભગવાનસિંહ રાઠોડ, જયેશકુમાર અજીતભાઈ સોલંકી, કનુભાઈ રણછોડભાઈ સોલંકી, જયદીપસિંહ અભયસિંહ સોલંકી, ઠાકોરભાઈ કીકાભાઈ આહીર અને વિજયભાઈ ગોવિંદભાઈ આહીરના નામનો સમાવેશ થયો હતો. ચર્ચા બાદ આ ૧૧ નામોની દરખાસ્તને સભાઍ વિશાળ બહુમતીથી મંજૂરી આપી હતી. બીજી તરફ સભાસદ મુકેશભાઈ લાલાભાઈ આહીરે મેહુલકુમાર ભીખાભાઈ આહીરના નામની દરખાસ્ત કરી હતી અને નવીનચંદ્ર ઢીમરે તેનો ટેકો આપ્યો હતો. જોકે આ દરખાસ્ત બહુમતીથી નામંજૂર કરવામાં આવી હોવાનું પ્રોસીડિંગમાં નોંધાયું છે. ઉપપ્રમુખ ધનેશભાઈ ચૌધરીઍ જણાવ્યું હતું કે બંધારણની જોગવાઈ મુજબ સામાન્ય સભા બોલાવી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ ૧૧ ટ્રસ્ટીઓની દરખાસ્તને મોટા ભાગના સભાસદોનું સમર્થન મળ્યું હતું, જ્યારે બાદમાં મેહુલકુમાર આહીરે પોતાની દાવેદારી રજૂ કરી હતી, જેને સભાનું સમર્થન મળ્યું ન હતું.
મેહુલકુમાર આહીરે આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે તેમના નામની લેખિત દરખાસ્ત મુકેશભાઈ લાલાભાઈ આહીરે રજૂ કરી હતી અને નવીનભાઈ ઢીમરે ટેકો આપ્યો હતો, પરંતુ રજૂઆત સભામાં વાંચવામાં આવી નહોતી. તેમનો દાવો છે કે સભામાં તેમના નામનો વિરોધ થયો નહોતો અને તેથી તેમની ટ્રસ્ટી તરીકેની નિમણૂક અંગે પ્રશ્ન ઊભો થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રોસીડિંગની નકલ પણ સમયસર આપવામાં આવી નહોતી. ન્યાય નહીં મળે તો ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.