વાપીમાં ગણેશ વિસર્જન માટે આવેલા ભકતોને ૧૧૦૦ છોડનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ ગણેશોત્સવ દરમિયાન ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે વાપીમાં પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. દમણગંગા નદીના પટ ખાતે ગણેશ વિસર્જન માટે પહોંચેલા ભક્તોને લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશન (વાપી ઍનિમલ રેસ્ક્યુ) દ્વારા કુલ ૧૧૦૦ જેટલા છોડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગણેશજીને વિદાય આપવાની સાથે પ્રકૃતિની જાળવણી અને શહેરમાં હરિયાળી વધારવાનો સંદેશ લોકો સુધી પહોંચે તે હેતુથી દોઢ, અઢી અને પાંચ દિવસના ગણેશ વિસર્જન દરમિયાન આ અભિયાન હાથ ધરાયું હતું. ભક્તોને ફળ, ફૂલ તેમજ ઔષધીય છોડ ભેટમાં આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિસર્જન બાદ નદીમાં ફૂલ, હાર, પ્લાસ્ટિક કે અન્ય પૂજા સામગ્રી ન નાખવા અને દમણગંગા નદીના પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ ભક્તોને અપીલ કરવામાં આવી હતી. લાઇફ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વર્ધમાન શાહે જણાવ્યું હતું કે, ગણેશોત્સવ જેવા મોટા જનઉત્સવના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.
