Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

નાનીચણવઈના યુવાનો દ્વારા ૧૫ વર્ષથી વિનામૂલ્યે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન

નાનીચણવઈના યુવાનો દ્વારા ૧૫ વર્ષથી વિનામૂલ્યે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ ગણેશોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાના અનોખા સંગમ વચ્ચે નાની ચણવઈ ગામના યુવાનો સેવાની ઉત્તમ મિસાલ પેશ કરી રહ્ના છે. નાની ચણવઈ સ્થિત ‘શ્રી માં ભવાની મિત્ર મંડળ’ દ્વારા વર્ષ ૨૦૧૦થી અતુલ સ્થિત પારનદી કિનારે શ્રીજીની પ્રતિમાઓનું સંપૂર્ણ વિનામૂલ્યે વિસર્જન કરવાની પ્રશંસનીય સેવા અવિરત ચલાવવામાં આવી રહી છે.
ગણેશ મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર દોઢ, અઢી, પાંચ, સાત, નવ તેમજ અનંત ચતુર્દશીના પાવન દિવસે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા પારનદી ખાતે પહોંચે છે. આ તમામ દિવસો દરમિયાન મંડળના આશરે ૩૫ જેટલા ઉત્સાહી અને સેવાભાવી યુવાનો ખડેપગે હાજર રહે છે. નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ કે ઊંડાણની પરવા કર્યા વગર આ યુવાનો શ્રદ્ધાળુઓની નાનીથી લઈને વિશાળકાય મૂર્તિઓને સંપૂર્ણ ધાર્મિક વિધિ અને આદરપૂર્વક ઊંડા પાણીમાં વિસર્જિત કરે છે. છેલ્લા દોઢ દાયકાથી ચાલી આવતી આ અવિરત સેવાને કારણે સમગ્ર પંથકમાં શ્રી માં ભવાની મિત્ર મંડળના યુવાનોની ખૂબ સરાહના થઈ રહી છે અને તેમની આ નિઃસ્વાર્થ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.