Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વલસાડના તડકેશ્વર મંંદિરમાં કાનુડાની આકર્ષક છબી કંડારાઈ

વલસાડના તડકેશ્વર મંંદિરમાં કાનુડાની આકર્ષક છબી કંડારાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ જન્માષ્ટમી પર્વ નિમિત્તે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ સર્જાયો છે, ત્યારે વલસાડ નજીક અબ્રામા સ્થિત અતિ પૌરાણિક અને આસ્થાના પ્રતીક સમાન શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરમાં હરિ અને હરનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.
જન્માષ્ટમીના પાવન અવસર પર મંદિરના સ્વયંભૂ સુતેલા શિવલિંગને શ્રદ્ધાળુઓ અને પૂજારીઓ દ્વારા માખણનો વિશેષ લેપ લગાવીને મનમોહક રીતે સજાવવામાં આવ્યું હતું. બાળગોપાલના પ્રિય ઍવા તાજા માખણથી શિવલિંગનું કરાયેલું ડેકોરેશન દર્શનાર્થીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે જ શિવલિંગની બરાબર બાજુમાં ભગવાન શ્રીકૃષ્ણની નયનરમ્ય છબી કંડારવામાં આવી હતી, જેણે ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. શિવાલયમાં શિવ અને કૃષ્ણ ભક્તિનો આવો સુંદર ત્રિવેણી સંગમ જોઈ દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્ના હતા. પર્વ નિમિત્તે વહેલી સવારથી જ સ્થાનિક ભક્તોની સાથે સાથે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય શ્રી કૃષ્ણ’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.