Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વશીયરમાં સરકારી ખર્ચે બનેલ બ્રિજની કામગીરી અટકી

વશીયરમાં સરકારી ખર્ચે બનેલ બ્રિજની કામગીરી અટકી


વલસાડ નજીક આવેલા વશીયર ગામે સરકારી તિજોરીમાંથી ખર્ચાયેલા કરોડો રૂપિયા જાહેર જનતા કરતાં કોઈ ચોક્કસ રાજકીય નેતાના અંગત આર્થિક સ્વાર્થ માટે વપરાયા હોવાના ગંભીર આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.વશીયરમાં બનેલા બ્રિજ માં ગ્રાન્ટ માટે ભલામણ કરનાર ધારાસભ્ય, માર્ગ મકાન ઇજનેરો, વસીયર નનકવાડા ના સરપંચ સહિત આ કામગીરીમાં સંડોવાયેલા અન્ય લોકો સમયે હાઇકોર્ટમાં અપીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા બ્રિજ તેમજ જમીન ની સરકારી કામગીરી અટકી પડી છે.
વલસાડના વશીયરમાં અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું હતું. તેની સાથે જ વશીયર ગામ માં  આવેલા સર્વે નં. ૩૭૮ (આશરે ૬ વીંઘા) તથા આસપાસના સર્વે નં. ૩૬૬, ૩૬૫, ૩૬૭ અને ૩૭૧ મળીને કુલ ૧૭.૫ વીંઘા જેટલી કિંમતી જમીન ભાજપના નેતા હર્ષદ કટારીયા અને તેમના પરિવારજનોના નામે આવેલી છે. આ ખાનગી જમીન સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે નનકવાડા ગામના આદિત્ય નગરથી વશીયર રેલવે તરફ વાંકી નદી પર રૂ. ૩.૮૦ કરોડના સરકારી ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વાંકી નદીના કિનારે રૂ. ૮૦ લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી છે. આમ, કુલ મળીને અંદાજે રૂ. ૪.૬૦ કરોડની સરકારી ગ્રાન્ટ ખાનગી નેતાની કરોડોની જમીનને સીધો આર્થિક ફાયદો કરાવવા માટે વાપરવામાં આવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. નનકવાડા અને વશીયર ગામના સરપંચો દ્વારા બ્રિજ બનાવવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.?વલસાડના ધારાસભ્ય ભરત પટેલે સરકારમાં ભલામણ કરીને રૂ. ૩.૮૦ કરોડનું પુલ બનાવવાની ગ્રાન્ટ મંજૂર કરાવી હોવાની ચર્ચા છે. ઉમરગામના ધારાસભ્ય દ્વારા ભાજપ નેતા હર્ષદ કટારીયાના ફાયદા માટે વાંકી નદી કિનારે રૂ. ૮૦ લાખની પ્રોટેક્શન વોલ મંજૂર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઍક તરફ ધારાસભ્ય દ્વારા આ કામ પ્રજાહિતમાં કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતામાં આ માળખાકીય સુવિધા સામાન્ય જનતા કરતાં ચોક્કસ નેતાના અંગત સ્વાર્થ માટે જ ઊભી કરાઈ હોવાની ચર્ચાઍ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જોર પકડ્યું છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયાના આવા દુરુપયોગ સામે વિપક્ષ કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. આ સમગ્ર ભ્રષ્ટાચાર અને પક્ષપાતી કામગીરી સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉચ્ચ સ્તરીય તપાસ અને ન્યાયની માગણી કરવામાં આવી છે. વશીયરમાં બનેલા બ્રિજમાં ગ્રાન્ટ માટે ભલામણ કરનાર ધારાસભ્ય, માર્ગ મકાન ઇજનેરો, વસીયર નનકવાડાના સરપંચ સહિત આ કામગીરીમાં સંડોવાયેલા અન્ય લોકો સમયે હાઇકોર્ટમાં અપીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા બ્રિજ તેમજ જમીનની  સરકારી કામગીરી અટકી પડી છે.