Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

ઉમરગામનો દરિયા કિનારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

ઉમરગામનો દરિયા કિનારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ ઉમરગામ તાલુકાના વિશાળ દરિયાકિનારાને પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકસાવવા અને અહીં આવતા સહેલાણીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અસરકારક આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર ઉમરગામનો દરિયાકિનારો પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિશાળ સંભાવનાઓ ધરાવતો હોવા છતાં જરૂરી સુવિધાઓના વિકાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત થઈ છે.
દરિયાકિનારે આવતા સહેલાણીઓ માટે પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલય, બેસવાની વ્યવસ્થા, ર્પાકિંગ, કચરાપેટી તેમજ સ્વચ્છતા સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ છે. યોગ્ય આયોજન સાથે દરિયાકિનારાનો વિકાસ કરવામાં આવે તો ઉમરગામ તાલુકામાં પ્રવાસનને નવી દિશા મળી શકે તેમ છે.
જિલ્લા કલેકટરે દરિયાકિનારે સ્વચ્છતા જાળવવા માટે સહેલાણીઓ તેમજ સ્થાનિક વિસ્તારના લોકોને સફાઈ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. દરિયાકિનારે કચરો ન ફેંકવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો અને કુદરતી પર્યાવરણને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી.
ઉમરગામના દરિયાકિનારાને સુવિધાસભર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સાથે સ્થાનિક વેપાર-ધંધા અને રોજગારીની તકોને પણ વેગ મળી શકે છે. ત્યારે પ્રવાસન વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ બંનેને સાથે રાખી તંત્ર દ્વારા લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.