Damanganga Times.

Damanganga Times.

October 15, 2026

વાપી પંથકમાં રક્ષાબંધનની પરંપરાગત ઉજવણી થઈ

વાપી પંથકમાં રક્ષાબંધનની પરંપરાગત ઉજવણી થઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ વાપી પંથકમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ધાર્મિક અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. બહેનોઍ ભાઈના કપાળે તિલક કરી, રાખડી બાંધી તથા મીઠાઈ ખવડાવી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો. તહેવારને લઈ સમગ્ર પંથકમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર દેશમાં રક્ષાબંધન તરીકે ઉજવાતા આ તહેવારને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બળેવ તરીકે પણ ઉજવવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી તેમજ માછીમાર સમાજ માટે પણ આ દિવસનું વિશેષ મહત્વ છે. અનેક માછીમાર અને આદિવાસી પરિવારો દ્વારા પરંપરા મુજબ રક્ષાબંધનના દિવસથી દરિયા તથા નદીમાં માછીમારીના કામકાજની શરૂઆત કરવામાં આવતી હોય છે.
વાપી પંથકમાં રક્ષાબંધનને લઈ છેલ્લા કેટલાક દિવસોથી જ બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારના દિવસે રાખડી બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓની સાથે મીઠાઈનું પણ ધૂમ વેચાણ થયું હતું. વેપારીઓમાં પણ સારો વેપાર થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારને કારણે વાપીના રસ્તાઓ પર પણ લોકોની ભારે અવરજવર જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો ઍસટી બસ તથા રેલવે મારફતે વાપી પહોંચ્યા હતા અને ત્યાંથી દમણ તરફ જવા રવાના થયા હતા. જેના કારણે વાપીના મુખ્ય માર્ગો તથા બસ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં દિવસ દરમિયાન લોકોની ભીડ જોવા મળી હતી.