અટગામમાં બંધ મકાનમાં તસ્કરો ૫.૮૧ લાખની મત્તા ચોરી ગયા
- byDamanganga Times
- 15 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડના અટગામ પાટા તળાવ ફળિયામાં બંધ મકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ૫,૮૧,૧૫૭ ની મત્તા ચોરીની ઘટના સામે આવી છે.
અટગામ પાટા તળાવ ફળિયામાં રહેતા અને વલસાડની અર્ચિત હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા રેખાબેન બાબુભાઈ પટેલ ગત તા.૧૧/૦૮/૨૦૨૬ના રોજ સવારે ઘરને તાળું મારી નોકરી પર ગયા હતાં. પતિ પણ કામ અર્થે બહાર ગયા હતા. બપોરે ૩ઃ૦૦ વાગ્યાની આસપાસ રેખાબેન નોકરી પરથી પરત ફરતા ઘરનો મુખ્ય દરવાજો ન ખૂલતાં પડોશમાં રહેતા ભત્રીજાની મદદથી તપાસ કરતા ઘરના પાછળના ભાગે જાતા દરવાજો ખુલ્લો હતો. અંદર જઈને જોતાં બેડરૂમમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. કોઈ ચોર ઈસમો કબાટની તિજોરીના લોક તોડી તેમાંથી સોનાના અલગ-અલગ દાગીના કુલ ૧૦૭.૧૯ ગ્રામ કિંમત આશરે ૪,૮૦,૧૫૭ ચાંદીના દાગીના સાંકળા તથા લુઝર ૨૯,૦૦૦ રોકડ રકમ રૂપિયા ૭૨,૦૦૦ મળી કુલ રૂપિયા ૫,૮૧,૧૫૭ ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતાં. જે અંગે રેખાબેન પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
