માલનપાડામાં પીકઅપની અડફેટે યુવકનું મોત
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૦ ઃ ધરમપુર તાલુકાના માલનપાડા દશેરાપાટી આઈટીઆઈ ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે નં. ૫૬ પર પીકઅપ વાહનની અડફેટે મોટરસાઈકલ ચાલક યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું.
પ્રા માહિતી અનુસાર ગત રાત્રે આશરે ૧૧ વાગ્યાના અરસામાં દિપેશભાઈ મુકેશભાઈ પટેલ (ઉં.વ. ૨૧), રહે. ભેંસઘરા, નિશાળ ફળિયા, ધરમપુર પોતાની હોન્ડા ટ્વિસ્ટર મોટરસાઈકલ નંબર ઍમઍચ-૦૫-બીઍન-૦૧૪૯ પર ધરમપુરથી નાનાપોંઢા તરફ જઈ રહ્ના હતા. દરમિયાન અજાણ્યા પીકઅપ ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી દિપેશભાઈની મોટરસાઈકલને ટક્કર મારી હતી.
અકસ્મતમાં દિપેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર મળે તે પહેલાં જ સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ પીકઅપ ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે મૃતકના પિતા મુકેશભાઈ ગમનભાઈ પટેલની ફરિયાદના આધારે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા પીકઅપ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
