વલસાડની દોલત-ઉષા કોલેજમાં અધ્યાપક સજ્જતા કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડની પ્રતિષ્ઠિત દોલત-ઉષા ઇન્સ્ટિટયૂટ ઓફ ઍપ્લાઇડ સાયન્સ તથા ધીરુ-સરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે અધ્યાપક સજ્જતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના રિસોર્સ પર્સન તરીકે વલસાડ કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડૉ . જે. ઍમ. નાયકે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શિક્ષણનું ક્ષેત્ર ધીમે ધીમે ઍજ્યુકેશન ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાવા લાગ્યું છે. પરંતુ શિક્ષણને ફક્ત વ્યવસાય કે નફાકારક ધંધા તરીકે જુઓ ઍ સમાજ અને રાષ્ટ્રના ભવિષ્ય માટે ચિંતાજનક છે. શિક્ષણનો મૂળભૂત હેતુ ફક્ત ડિગ્રીધારી વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો નથી. પરંતુ સંસ્કારી જવાબદાર અને મૂલ્ય નિષ્ઠ નાગરિકોનું ઘડતર કરવાનો છે. શિક્ષક ઍ શિક્ષણ વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને છે. કોઠારી આયોગના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું કે ભારતનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે ઍ સૂત્રને ટાંકીને વક્તાઍ જણાવ્યું હતું કે શિક્ષકના હાથમાં ફક્ત ચોક અને ડસ્ટર જ નહીં પરંતુ દેશનું ભવિષ્ય પણ છે. શિક્ષકોઍ વિદ્યાર્થીઓમાં ફક્ત જ્ઞાન જ નહીં પરંતુ શિસ્ત, સમયપાલન, ચારિત્ર્ય, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીના મૂલ્યોનું પણ સિંચન કરવાનું છે. મૂલ્યલક્ષી શિક્ષણ દ્વારા જ આદર્શ સમાજનું નિર્માણ શક્ય બને છે. શિક્ષણ ઍ સમાજ પરિવર્તનનું શક્તિશાળી સાધન છે.
અધ્યાપકો માટે યોજાયેલા આ કાર્યક્રમને અધ્યાપકોઍ રસપૂર્વક માણીને પ્રશ્નોત્તરી દ્વારા સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો.
