વલસાડ રીનાપાર્ક સો. દ્વારા પૂરગ્રસ્તોને કીટ વિતરણ કરાઈ
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ ગત સાહે સમગ્ર વલસાડ શહેરને હચમચાવી દેનાર વરસાદી તાંડવે અનેક વિસ્તારોને બાનમાં લીધા હતા. જ્યાં જૂઓ ત્યાં ખાના ખરાબીનો માહોલ સર્જાયો હતો. ઔરંગાના ધસમસતા પાણીના પ્રવાહે અનેક પરિવારોને બેઘર બનાવી દીધા હતા. આ પૂરગ્રસ્તોની વહારે શહેરની અનેક સામાજીક સંસ્થાઓ આવી હતી. માનવીય સેવાના આ ભગીરથ કાર્ય માં તિથલ રોડ પર આવેલી રીનાપાર્ક સોસાયટીના પરિવાર જનો પણ જોડાયા હતા.
રીનાપાર્ક સોસાયટી હેલ્પિંગ હેન્ડ સેવા અભિયાન દ્વારા પૂરમાં અસરગ્રસ્ત થયેલા પરિવારોની માહિતી ઍકઠી કરી તેમને જીવન જરૂરી સામગ્રી આપવાનું નક્કી કરાયું હતું. જેમાં પૂરગ્રસ્ત હનુમાન ભાગડા વિસ્તારના બોરડીયા ફળિયામાં રીનાપાર્ક પરિવાર દ્વારા દાળ- ચોખા, ઘઉંનો લોટ-જુવારનો લોટ, ખાંડ અને તેલની સહાય કીટ પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત ઉમરગામના ગ્રામ્ય પંથકમાં પૂરગ્રસ્ત પરિવારોને પહેરવા લાયક જૂના કપડાં અને જરૂરી વાસણો પણ પહોંચાડવામાં આવ્યા હતા.
