વલસાડમાં કાવડ યાત્રા નીકળી
- byDamanganga Times
- 11 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ વલસાડ અગ્રવાલ સમાજ દ્વારા છેલ્લા ૪ વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ અગ્રવાલ સમાજ દ્વારા તારીખ ૯ ઓગસ્ટના રોજ ભવ્ય કાવડ યાત્રાનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું હતું. બોલ બમ અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
આ ધાર્મિક યાત્રામાં અગ્રવાલ સમાજના ભાઈઓ, મહિલાઓ, બાળકો અને વડીલોઍ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ શ્રદ્ધાળુઓઍ કડક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉઘાડા પગે કાવડ ઉપાડીને યાત્રામાં જોડાઈ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. કાવડિયાઓઍ ઔરંગા નદીમાંથી પવિત્ર જળ ભરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ શોભાયાત્રા તારીયાવાડ, મોટા પારસી વાડ, જૈન મંદિર, ઍમ.જી. રોડ અને ટાવર થઈને આગળ વધી હતી.યાત્રાના અંતે શ્રી ભીડભંજન મહાદેવ મંદિર પહોંચીને તમામ ભક્તોઍ મહાદેવજીના શિવલિંગ પર પવિત્ર જળ અર્પણ કરી જલાભિષેક કર્યો હતો.
મંદિર ટ્રસ્ટ અને વ્યવસ્થાપકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુંદર સગવડ અને પૂર્ણ સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે અગ્રવાલ સમાજના પ્રમુખ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા સુંદર અને સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. જલાભિષેક બાદ આ વર્ષની કાવડ યાત્રા ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
