Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

પારનેરા ડુંગર પર સફાઈ અભિયાન ચલાવ્યું

પારનેરા ડુંગર પર સફાઈ અભિયાન ચલાવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાને દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું જિલ્લા વહીવટી તંત્રને આહવાન કરતા જિલ્લા માહિતી કચેરી દ્વારા રવિવારે વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક ઉમેશભાઈ બાવીસાના નેતૃત્વમાં માહિતી ખાતાની ટીમ દ્વારા પારનેરા ડુંગર પર મહાકાળી માતા મંદિર, ચંડીકા, અંબિકા અને નવદુર્ગા માતા મંદિર અને ટેબલ પોઈન્ટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં ખાસ કરીને પાણીની બોટલો, પાન માવા ગુટખાના ખાલી પડીકા, પેકેટ ફૂડના પાઉચ, પ્લાસ્ટીકની થેલી, બાળકોના ડાયપર સહિતની ગંદકી ઉઠાવી રળિયામણા પારનેરા ડુંગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સરાહનીય પ્રયાસ કરાયો હતો.  
આમ, પણ પારનેરા ડુંગર ચોમાસાની સિઝનમાં લીલીછમ ચાદર ઓઢી હોય ઍમ સોહામણો લાગતો હોય છે જેથી પર્યટકો વધુ આકર્ષાતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાની પ્રાચીન ધરોહરને સ્વચ્છ અને સુંદર રાખવાની આપણા સૌની જવાબદારી છે. ઍવો સંદેશ પણ જિલ્લા માહિતી કચેરીની ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ સફાઈ અભિયાનમાં જિલ્લા માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર સુનિલ મહેતા, માહિતી મદદનીશ જિજ્ઞેશ સોલંકી અને સલોની પટેલ, ટેકનિકલ આસિસ્ટન્ટ  મહેશ પટેલ, ઓપરેટર પ્રફૂલ પટેલ, ફોટોગ્રાફર હિમેશ પટેલ, ડ્રાઈવર યોગેશ પટેલ અને યશ આહિર, સેવક નરેશ આહિર, ધર્મેશ પટેલ, કૃણાલ આહિર અને યામીની પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.