Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ચીખલી વસુધારામાં ડેરીના પ્રણેતા નરેન્દ્રભાઈ વશીને ભાવાંજલિ અપાઈ

ચીખલી વસુધારામાં ડેરીના પ્રણેતા નરેન્દ્રભાઈ વશીને ભાવાંજલિ અપાઈ


ચીખલી, તા.૬ ઃ વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (વસુધારા ડેરી) સહકારી ડેરી ક્ષેત્રના ભીષ્મપિતામહ, શ્વેતક્રાંતિના પ્રેરણામૂર્તિ અને લાખો પશુપાલકોના હિતચિંતક સ્વ. નરેન્દ્રભાઈ બી, વશીની સ્મૃતિમાં બુધવારે ચીખલીના દિનકર ભવન ખાતે શ્રદ્ધાંજલિ સભા લાગણીસભર માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના દૂધ ઉત્પાદકો, અસંખ્ય પશુપાલકો, સહકારી આગેવાનો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ સેંકડો પ્રશંસકો ઉપસ્થિત રહી પોતાના પ્રિય નેતાને અશ્રુભીની ભાવાંજલિ અર્પણ કરી હતી.
સમગ્ર દિનકર ભવન શોકમય વાતાવરણમાં ડૂબી ગયો હતો. ઉપસ્થિત મહાનુભાવોઍ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ વશીઍ પોતાના પાંચ દાયકાના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના સહકારી દૂધ આંદોલનને નવી દિશા અને મજબૂત ઓળખ આપી હતી. તેમણે માત્ર ઍક ડેરી સંસ્થાનું નિર્માણ કર્યું નહોતું, પરંતુ હજારો ગરીબ, આદિવાસી, નાના અને સીમાંત ખેડૂતોના જીવનમાં પશુપાલન દ્વારા આર્થિક સમૃદ્ધિનો નવો માર્ગ ખુલ્લો કર્યો હતો. આ પ્રસંગે વસુધારા ડેરીના ચેરમેન રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલ, વાઈસ ચેરમેન, કારોબારી મંડળના સભ્યો, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર વિજયભાઈ કાપડીયા, વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ક્વોરી ઍસોસિઍશનના સલીમ પટેલ, માજી સાંસદ કાનજીભાઈ પટેલ, ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલ (દેલાડ), માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ, પૂર્વ ચેરમેન ગમનભાઈ પટેલ, સુધાબેન પટેલ, કલાવતી પટેલ, મહારાષ્ટ્રના માજી ધારાસભ્ય ખડસે, નિર્મળાબેન તથા નટુભાઈ નાયક સહિત અનેક મહાનુભાવોઍ નરેન્દ્રભાઈ સાથે જોડાયેલી યાદો તાજી કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સ્વ. નરેન્દ્રભાઈ વશીની પુત્રી ઉર્મિ વશીઍ પરિવાર અને વસુધારા ડેરી સાથે જોડાયેલા સંસ્મરણો વહેંચતાં સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. તેમના સંસ્મરણો દરમિયાન અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. તેમના ધર્મપત્ની રેખાબેન વશી સહિત પરિવારજનો પણ લાગણીસભર ક્ષણોમાં ભાવુક બન્યા હતા.