Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ધરમપુરમાં ખેર ચોરીની તપાસ કરતા અધિકારીને કચડી મારવાનો પ્રયાસ

ધરમપુરમાં ખેર ચોરીની તપાસ કરતા અધિકારીને કચડી મારવાનો પ્રયાસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૫ ઃ ધરમપુર તાલુકાના હનમતમાળ રેન્જમાં ખેરના ઝાડ કાપવાના ગુનાની તપાસ દરમિયાન આરોપીઍ મહિલા ફોરેસ્ટર પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, હનમતમાળ રેન્જમાં ફરજ બજાવતા રાઉન્ડ ફોરેસ્ટર રેણુકાબેન કાળુભાઈ ભોયાઍ મામાભાચા ગામે સરકારી જંગલમાંથી ખેરના ઝાડ કાપવાના ગુનાની તપાસ દરમિયાન દિલીપભાઈ બેંડુભાઈ રાવણ વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનાની અદાવત રાખી આરોપી તા. ૪ ઓગસ્ટની રાત્રે ફોરેસ્ટ ઓફિસના કેમ્પસમાં આવ્યો હતો. આરોપીઍ રેણુકાબેન તથા તેમની સાથે હાજર ફોરેસ્ટર લતાબેન આહીર તરફ પોતાની મારુતિ બ્રેઝા (નં. ઞ્થ્-૧૫-ઘ્મ્-૨૬૭૬) પૂરઝડપે હંકારી બંનેને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવા અંગે કરાયેલ ફરિયાદમાં ઉલ્લેખ સાથે બંને સમયસર ગેટના પિલર પાસે ખસી જતા બચી ગયા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઍ ગાળાગાળી કરી, અહીં નોકરી કેવી રીતે કરશો તે જોઈ લઈશ, ઉડાવી દઈશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતા અન્ય ફોરેસ્ટ કર્મચારીઓ તથા આર.ઍફ.ઓ. પણ સ્થળે દોડી આવ્યા હતા.
૧૧૨ પર પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હતો. ધરમપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.