Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

મનપા - પાલિકા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે ડ્રોન સર્વે કરાશે

મનપા - પાલિકા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે ડ્રોન સર્વે કરાશે


(અમારા પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ, તા. ૦૫ ઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન પડી રહેલા ભારે વરસાદને કારણે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાના ટાયર-૧ અને ટાયર-૨ શહેરોમાં સર્જાતી પૂર જેવી સ્થિતિ અને પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકારે અત્યંત કડક અને દૂરગામી પગલાં લેવાનો નિર્ધાર કર્યો છે. સત્તાવાર સૂત્રો પાસેથી પ્રા વિગતો અનુસાર, આગામી સમયમાં સમગ્ર રાજ્યભરમાં હાઈટેક ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી વ્યાપક સર્વે હાથ ધરવામાં આવશે, જેથી કુદરતી પાણીના પ્રવાહને રોકતા દબાણોને ઓળખીને કડક કાર્યવાહી કરી શકાય.
ચોમાસાની ઋતુમાં શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની મુખ્ય સમસ્યા ભૂતકાળમાં અસ્તિત્વમાં રહેલા કુદરતી જળમાર્ગો પર થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણોને આભારી છે. રાજ્યના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ જે સ્થળોઍ કાસ, ખાડી, વોકળા, નાના વહેણો અને તળાવો કુદરતી રીતે અસ્તિત્વમાં હતા, ત્યાં સમય જતાં મોટાપાયે બાંધકામો થઈ ગયા છે અથવા માર્ગો રૂંધાઈ ગયા છે. પરિણામે પાણીના નિકાલના તમામ રસ્તાઓ બંધ થઈ જતા શહેરોમાં પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિ નિર્માણ પામે છે.
આ ગંભીર સમસ્યાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા ટાયર-૧ અને ટાયર-૨ શહેરોમાં ખાસ ડ્રોન સર્વેની યોજના ઘડવામાં આવી છે. ડ્રોન સર્વેના માધ્યમથી તમામ ખાડી, કાંસ, નાની નદીઓ અને વોકળાના અસલ નકશા અને વર્તમાન સ્થિતિ વચ્ચેની વિસંગતતાઓ સ્પષ્ટપણે ચકાસવામાં આવશે. જે વિસ્તારોમાં પાણી જવાના માર્ગો અથવા વહેણને અવરોધતા ગેરકાયદે બાંધકામો કે દબાણો કરવામાં આવ્યા છે, તેની ચોક્કસ માહિતી મેળવીને ત્વરિત અને સઘન ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તંત્ર દ્વારા આ પ્રક્રિયા દરમિયાન ઍ વાતની પણ વિશેષ તકેદારી રાખવામાં આવશે કે પાણીનો પ્રવાહ અવિરત અને અવરોધમુક્ત રીતે ચાલુ રહે. આ અભિયાન અંતર્ગત જે વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવવામાં આવશે અને જો ત્યાં કોઈ અસરગ્રસ્તો કે ગરીબ પરિવારો હશે, તો તેમને પુનર્વસન માટે વૈકલ્પિક જગ્યા કે વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં પણ સત્તાવાળાઓ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે, જેથી માનવતાવાદી અભિગમ જળવાઈ રહે અને વિકાસની સાથે કાયદો પણ સચવાય.
આ સમગ્ર સર્વે અને દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્યના શહેરોમાં વરસાદી પાણીના નિકાલની ક્ષમતામાં મોટો સુધારો થશે અને નાગરિકોને વારંવાર પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે તેવી અપેક્ષા છે.