Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપીની સિટી સર્વે કચેરી બલીઠા ખસેડવા અંગે રોષ

વાપીની સિટી સર્વે કચેરી બલીઠા ખસેડવા અંગે રોષ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
  વાપી, તા. ૧૦ ઃ વાપી ટાઉનમાં વર્ષોથી કાર્યરત સિટી સર્વે કચેરીને બંધ કરીને બલીઠા સ્થિત મામલતદાર કચેરી ખાતે ખસેડવાના નિર્ણય સામે જમીનધારકો, ખેડૂતો અને મિલકત માલિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્ના છે. સ્થાનિકોના મતે આ નિર્ણયથી વાપી શહેર તેમજ આસપાસના પાંચથી સાત ગામોના લોકોને રોજિંદા જમીન સંબંધિત કામકાજ માટે લાંબું અંતર કાપવું પડશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થશે. જમીનના નકશા, માપણી, રેકોર્ડ સુધારા, મિલકત સંબંધિત દાખલા સહિતના કામો માટે અત્યાર સુધી વાપી ટાઉનમાં સરળતાથી સેવા મળતી હતી. હવે તમામ કામગીરી બલીઠા ખાતે કેન્દ્રિત થતાં સામાન્ય નાગરિકો, ખેડૂતો, વકીલો અને દસ્તાવેજ નોંધણી કરાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક ખેડૂત અને મિલકત ધારકોનું કહેવું છે કે વાપી શહેરની વધતી વસ્તી અને જમીન સંબંધિત કેસોની સંખ્યાને ધ્યાનમાં લેતાં સિટી સર્વે કચેરી બંધ કરવાને બદલે તેને ઝોન કચેરી તરીકે યથાવત કાર્યરત રાખવી જોઈઍ. તેનાથી વાપી શહેર અને આસપાસના કુંતા મોરાઈ વટાર બલીઠા ચલા નામધા અને ચંડોર ગામોના લોકોને સરળતાથી સેવાઓ મળી રહેશે અને વહીવટી ભાર પણ ઘટશે.
વાપીના સ્થાનિકોઍ સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને આ નિર્ણય પર પુનર્વિચાર કરી વાપીની જૂની સિટી સર્વે કચેરીને ઝોન કચેરી તરીકે ચાલુ રાખવાની માંગ કરી રહ્ના છે.