Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ઝરીયામાં દીપડાઍ મારણ કરવા છતાં પાંજરું નહીં ગોઠવાતા રોષ

ઝરીયામાં દીપડાઍ મારણ કરવા છતાં પાંજરું નહીં ગોઠવાતા રોષ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૪ ઃ ધરમપુર તાલુકાના ઝરીયા ગામમાં દીપડાની અવરજવર સતત વધી રહી હોવાથી ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દીપડાઍ પશુધન પર હુમલાની અનેક ઘટનાઓને અંજામ આપતાં ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ છે.
ગામના અરવિંદભાઈ મનહરભાઈ પટેલના જણાવ્યા મુજબ બે બકરીઓને દીપડો જુદા જુદા સમયે ઉઠાવી ગયો હતો. ઉપરાંત બહાદુરભાઈ ગોવિંદભાઈ પટેલના ઘરેથી આશરે ૧૦ જેટલાં મરઘાંનો શિકાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જ્યારે રમણભાઈ સોમાભાઈ પાડવીનું પાલતુ શ્વાન પણ દીપડો ઉઠાવી ગયો હોવાનું સામે આવ્યું છે.
 વારંવાર બની રહેલી આ ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. ખાસ કરીને સાંજના સાત વાગ્યા બાદ લોકો ઘરની બહાર નીકળતાં પણ ડર અનુભવી રહ્ના છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી રહી છે.
 ગ્રામજનોના જણાવ્યા મુજબ સમગ્ર ઘટનાની જાણ ધરમપુર વન વિભાગને કરવામાં આવી હતી. જોકે ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં દીપડાને પાંજરે પુરવા માટે સ્થળ પર પાંજરું ગોઠવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
વધુમાં ગ્રામજનો દ્વારા મળેલી માહિતી અનુસાર વન વિભાગના ઍક કર્મચારીઍ સ્થળની મુલાકાત દરમિયાન અહીં પાંજરું મૂકવું યોગ્ય નથી તેમ કહી ઉડાઉ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને ગ્રામજનોઍ વન વિભાગની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.
 ગ્રામજનોઍ વન વિભાગને તાત્કાલિક વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવા, દીપડાની હિલચાલ પર નજર રાખવા અને જરૂરી કાર્યવાહી કરીને દીપડાને પાંજરે પુરવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો પશુધન ઉપરાંત માનવજીવન પણ જોખમમાં મુકાઈ શકે છે. તેથી જવાબદાર તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.