Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ગણદેવી પાલિકાની સ્વચ્છ ભારત મિશનના ડે. મિશન ડાયરેક્ટરે મુલાકાત લીધી

ગણદેવી પાલિકાની સ્વચ્છ ભારત મિશનના ડે. મિશન ડાયરેક્ટરે મુલાકાત લીધી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૧૪ ઃ સ્વચ્છ ભારત મિશન-અર્બન અંતર્ગત રાજ્યસ્તરીય કામગીરીની સમીક્ષા માટે માનનીય ડેપ્યુટી મિશન ડાયરેક્ટર વિજય પરીખે શુક્રવારે ગણદેવી નગરપાલિકાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે નગરપાલિકાની સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપન સંબંધિત વિવિધ કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન ડેપ્યુટી મિશન ડાયરેક્ટરે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સ્વચ્છતા અભિયાન હેઠળ કરવામાં આવતી કામગીરી, મેદાનમાં આવતી મુશ્કેલીઓ તેમજ કામગીરીને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તેમણે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપી કામગીરીમાં ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવા સૂચનો કર્યા હતાં. ત્યારબાદ નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું ફિલ્ડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કચરા સંગ્રહની પ્રક્રિયા, નાગરિકોની ભાગીદારી અને સ્વચ્છતા જાળવવા માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ અંગે પણ માહિતી મેળવી હતી.
વિજય પરીખે નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન અંતર્ગત વિકસાવવામાં આવેલા આઇકોનિક રોડની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં કરવામાં આવેલી સ્વચ્છતા તથા સૌંદર્યીકરણની કામગીરીનું અવલોકન કર્યું હતું. ઉપરાંત નગરપાલિકાના ઘન કચરા પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈ કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને પ્રોસેસિંગની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. મુલાકાતના અંતે તેમણે ગણદેવી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી સ્વચ્છતા સંબંધિત કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યમાં વધુ અસરકારક કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. આ મુલાકાતથી નગરપાલિકાની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન અને નવી દિશા પ્રા થઈ હોવાનું મનાઈ રહ્નાં છે.