નરોલી ગ્રા.પં.માં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
- byDamanganga Times
- 15 June, 2026
(દમણંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૪ ઃ દાદરા અને નગર હવેલી જિલ્લામાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિયાનના ભાગરૂપે નરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં જનપ્રતિનિધિઓ, પંચાયત સભ્યો, સરકારી અધિકારીઓ તેમજ સ્થાનિક નાગરિકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.ઝુંબેશ દરમિયાન મુખ્ય માર્ગો, બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, જાહેર સ્થળો તેમજ નાળા-ગટરોની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી. જનપ્રતિનિધિઓઍ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે. તેમણે લોકોને પોતાના આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, કચરાના યોગ્ય વિભાજન અને ઘન કચરા વ્યવસ્થાપન અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોઍ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા પર ભાર મૂક્યો હતો. નરોલી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોઍ જણાવ્યું હતું કે સ્વચ્છ અને સ્વસ્થ ગામના નિર્માણ માટે આવા કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓઍ પણ અભિયાનને આવકારી સ્વચ્છતા જાળવવામાં સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
